મિલપ્લોટ અને વીસી પરા વિસ્તારમાં છુપાયેલા ટીબીના દર્દીઓને વહેલાસર શોધી સારવાર આપવાના હેતુથી કરાયું વિશેષ આયોજન
કેમ્પમાં ૯૬ મહિલાઓ અને ૫૬ પુરુષો સહિત કુલ ૧૫૨ લોકોના એક્સ-રે પાડવામાં આવ્યા
વાંકાનેર: દેશને ક્ષય મુક્ત કરવાના પ્રધાનમંત્રીના ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વાંકાનેર શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા શહેરના મિલપ્લોટ અને વીસી પરા વિસ્તારમાં એક ખાસ એક્સ-રે કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદાયમાં રહેલા છુપાયેલા ટીબીના દર્દીઓનું વહેલાસર નિદાન કરી, તેમને સમયસર જરૂરી સારવાર પર મૂકી શકાય તેવો છે.
આ કેમ્પ અંતર્ગત સ્થાનિક વિસ્તારના લોકોની આરોગ્ય તપાસ કરી કુલ ૧૫૨ નાગરિકોના એક્સ-રે પાડવામાં આવ્યા હતા. જેમાં ૫૬ પુરુષો અને ૯૬ મહિલાઓનો સમાવેશ થાય છે. વહેલા નિદાનથી ટીબીના સંક્રમણને અટકાવી શકાય તે બાબતે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજન દરમિયાન અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઈઝર હિરેન મકવાણા, તાલુકા હેલ્થ ઓફિસમાંથી ટીબી સુપરવાઈઝર એન.જી. સાપરા, અસ્લમ માથાકીયા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર વી.એચ. માથાકીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના અન્ય હેલ્થ વર્કર્સ, આશા બહેનો અને તબીબી સ્ટાફના સૈયારા પ્રયાસો તથા ભારે જહેમતને કારણે આ કેમ્પનું ખૂબ જ સફળ આયોજન પાર પડ્યું હતું.
